વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૩ અને ૧૪ નવેમ્બર એમ બે દિવસ માટે પોતાના માદરે વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના આ સત્તાવાર પ્રવાસને લઈને રાજ્ય વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં રાત્રિ રોકાણ અને અંબાજીમાં દર્શન

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ નવેમ્બરના રોજ ગુજરાત આવી પહોંચશે અને રાત્રિ દરમિયાન પાટનગર ગાંધીનગર ખાતે રોકાણ કરશે. ત્યારબાદ પ્રવાસના બીજા દિવસે એટલે કે ૧૪ નવેમ્બરના રોજ તેઓ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની મુલાકાતે જશે.

બપોરે ૧૨:૩૦ વાગ્યે માં અંબાની પૂજા-અર્ચના કરશે

૧૪ નવેમ્બરે બપોરે અંદાજે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અંબાજી મંદિર ખાતે પહોંચીને જગતજનની માં અંબાના દર્શન કરશે અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરીને દેશની સુખાકારી માટે પ્રાર્થના કરશે. અંબાજી ખાતેના દર્શન અને નિર્ધારિત કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સીધા નવી દિલ્હી જવા માટે રવાના થશે. પીએમ મોદીની મુલાકાતને પગલે ગાંધીનગરથી લઈને બનાસકાંઠાના અંબાજી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.