સુરેન્દ્રનગર:

ઝાલાવાડના સુરેન્દ્રનગર જિલ્લામાં ધાર્મિક શ્રદ્ધાનો દુરુપયોગ કરીને ભોળા શ્રદ્ધાળુઓ સાથે મોટી છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. હરિદ્વાર યાત્રાએ લઈ જવાના બહાને ૪૦૦થી પણ વધુ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ધર્મના નામે ઠગાઈ આચરનારા ૩ ટૂર સંચાલકો સામે આખરે રોષે ભરાયેલા પીડિતોએ આગળ આવીને પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે.

વ્યક્તિદીઠ રૂ. ૪૨૦૦ ઉઘરાવી છેતરપિંડી આચરી

મળતી વિગતો અનુસાર, આયોજકોએ હરિદ્વારની ધાર્મિક યાત્રા કરાવવાના નામે આકર્ષક સ્કીમ બતાવીને શ્રદ્ધાળુઓ પાસેથી વ્યક્તિદીઠ રૂ. ૪૨૦૦નું ઉઘરાણું કર્યું હતું. ઓછી કિંમતે યાત્રા થઈ રહી હોવાથી સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાંથી ૪૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી. જોકે, નક્કી કરેલી તારીખ અને સમય નજીક આવતાં જ ટૂર સંચાલકોએ હાથ ઊંચા કરી દીધા હતા અને યાત્રાનું આયોજન ન કરીને લોકોના નાણાં ઓળવી ગયા હતા.

૩ ટૂર સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ

યાત્રાના નામે પોતાની સાથે છળ થયું હોવાની જાણ થતાં જ શ્રદ્ધાળુઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ અંગે પિડિતોએ એકઠા થઈને ૩ ટૂર સંચાલકો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા અને ઠગાઈના નાણાં રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધર્મના નામે આચરવામાં આવેલા આ મોટા ધતિંગથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે.