અમદાવાદ, પ્રતિનિધિ દ્વારા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. બુધવારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના ડીજીપી અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર રથયાત્રા માર્ગનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

રાજ્યના ડે. સીએમ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ડીજીપી જી.એસ. મલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અધિકારીઓએ સમગ્ર 16.2 કિલોમીટર લાંબા પરંપરાગત માર્ગ પર આવેલા સંવેદનશીલ વિસ્તારો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ઇમરજન્સી સેવાઓની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. જોકે પોલીસે તેની તડામાર તૈયારીઓ કરી લીધી છે.

વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાના ત્રણ મુખ્ય રથ ઉપરાંત 18 હાથી, 103 ટ્રક, 30 અખાડા અને અનેક ભજન મંડળીઓ જોડાશે. લાખો શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને સમગ્ર રૂટને 26 રેન્જ, 53 એરિયા અને 1,397 સુરક્ષા પોઈન્ટમાં વિભાજિત કરવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં આ વર્ષે અત્યાધુનિક ટેક્નોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. 30 હજારથી વધુ પોલીસ જવાનો, જેમાં 10 IG/DIG, 42 DCP, 88 ACP, ઉપરાંત 15 SRPF અને 9 CAPFની ટુકડીઓ તૈનાત રહેશે. સમગ્ર રૂટ પર 100થી વધુ ડ્રોન દ્વારા હવાઈ નજર રાખવામાં આવશે. હાથીઓની હિલચાલ પર નજર રાખવા માટે GPS ટ્રેકિંગ, CCTV કેમેરા અને ડેસિબલ મીટરનો ઉપયોગ કરવામાં આવશે.

આ ઉપરાંત AI આધારિત ફેશિયલ રેકગ્નિશન કેમેરા, બોડી-વોર્ન કેમેરા, એન્ટી-ડ્રોન ગન, AI વૉઇસ બોટ, હાઈ-ટેક વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ, 3D મેપિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત મોનિટરિંગ સિસ્ટમ પણ કાર્યરત રહેશે. આ ટેક્નોલોજી શંકાસ્પદ તત્વોને ઓળખવામાં અને ભીડનું અસરકારક સંચાલન કરવામાં મદદરૂપ બનશે.

વધુમાં જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી પોલીસ દ્વારા વિવિધ સમાજના આગેવાનો સાથે સતત બેઠકો યોજીને સામાજિક સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે શ્રદ્ધાળુઓને શિસ્તબદ્ધ રીતે ભગવાન જગન્નાથના દર્શન કરવા, જોખમી ઇમારતો પર ચઢવાનું ટાળવા અને પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી હતી.માર્ગ નિરીક્ષણ દરમિયાન અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય કૌશિક જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાની સહિત AMC અને વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારનો વિશ્વાસ છે કે આધુનિક ટેક્નોલોજી અને સઘન માનવબળના સંકલનથી આ વર્ષની રથયાત્રા ભક્તિ, શાંતિ અને સુરક્ષાના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થશે.