— ચાર મુખ્ય જનભાગીદારી ઇવેન્ટ્સ અને ત્રણ નિઃશુલ્ક 30-દિવસીય ફિટનેસ વિલેજને એકસાથે લાવીને, ડીએફસી 2026 દુબઈને શારીરિક સક્રિયતાના શહેરવ્યાપી ઉત્સવમાં ફેરવી દેશે, જેમાં દરેક ઉંમર અને ક્ષમતાના લોકો માટે કંઈક ને કંઈક હશે.

— 31 ઓક્ટોબરથી 29 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ઐતિહાસિક 10મી આવૃત્તિ, સમગ્ર શહેરમાં નિઃશુલ્ક અને સૌને સુલભ ફિટનેસ અનુભવોના વ્યાપક કાર્યક્રમ સાથે 30x30ના એક દાયકાની ઉજવણી કરશે.

ભારત, ૦૩ નવેમ્બર ૨૦૨૬ | દુબઈના ક્રાઉન પ્રિન્સ, યુએઈના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી તથા દુબઈની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ મહામહિમ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની પહેલ એવા દુબઈ ફિટનેસ ચેલેન્જ (ડીએફસી)ની 10મી આવૃત્તિ 31 ઓક્ટોબર 2026ના રોજ ફરી શરૂ થઈ રહી છે અને તે 30x30ના એક દાયકાની ઉજવણી કરવા સજ્જ છે. આ સાથે વિશ્વનાં સૌથી સક્રિય શહેરોમાંનું એક બનવા તરફ દુબઈની સફર આગળ વધશે.

‘What’s Your 30x30?’ થીમ સાથે, ડીએફસી 2026 રહેવાસીઓ અને મુલાકાતીઓને સક્રિય રહેવાની પોતાની રીત શોધવા અને 30 દિવસ સુધી દરરોજ 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરવાનો સંકલ્પ લેવા આમંત્રિત કરે છે, જેનાથી દુબઈ ફિટનેસ, સુખાકારી અને સામુદાયિક ભાવનાના જીવંત શહેરવ્યાપી ઉત્સવમાં પરિવર્તિત થઈ રહ્યું છે.

દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના સેક્રેટરી જનરલ મહામહિમ સઈદ હારેબે જણાવ્યું હતું કે: “દુબઈ ફિટનેસ ચેલેન્જ તેની ઐતિહાસિક 10મી આવૃત્તિની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમને મહામહિમ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના એ વિઝનની યાદ આવે છે, જેમણે દરેકને 30 દિવસ સુધી દરરોજ 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ માટે ફાળવવા પ્રોત્સાહિત કરવા આ પહેલ શરૂ કરી હતી. એક દાયકા પછી, આ ચેલેન્જ માત્ર વાર્ષિક ફિટનેસ પહેલ કરતાં ઘણું વધારે બની ગયું છે. તેણે સક્રિય જીવનશૈલીની સંસ્કૃતિ સ્થાપિત કરવામાં મદદ કરી છે, સમુદાયોને એકસાથે લાવ્યા છે અને રમતગમત તથા શારીરિક પ્રવૃત્તિને દુબઈના જીવનનો અવિભાજ્ય હિસ્સો બનાવી છે.”

“આ વર્ષની ‘What’s Your 30x30?’ થીમ દરેકને સક્રિય રહેવાની પોતાની રીત શોધવા અને ફિટનેસને પોતાના રોજિંદા જીવનનો ભાગ બનાવવા પ્રોત્સાહિત કરે છે. મુખ્ય ઇવેન્ટ્સ, ફિટનેસ વિલેજ અને સામુદાયિક પ્રવૃત્તિઓ દ્વારા અમે દરેક ઉંમર અને ક્ષમતાના લોકો માટે ભાગ લેવાની તકો ઊભી કરી રહ્યા છીએ, જે વિશ્વનાં સૌથી સક્રિય શહેરોમાંનું એક બનવાની દુબઈની મહત્ત્વાકાંક્ષાને સમર્થન આપે છે.”

નવીન કાર્યક્રમો

દુબઈ ફેસ્ટિવલ્સ એન્ડ રિટેલ એસ્ટાબ્લિશમેન્ટ (ડીએફઆરઈ)ના સીઈઓ અહમદ અલ ખાજાએ ઉમેર્યું હતું કે: “દુબઈ ફિટનેસ ચેલેન્જની 10મી આવૃત્તિના આ સીમાચિહ્નની ઉજવણી કરતાં, આ વર્ષનું ઇવેન્ટ કેલેન્ડર દર્શાવે છે કે ફિટનેસ દ્વારા આપણા શહેરને એકજૂટ કરવામાં આ પહેલે કેટલી લાંબી સફર કાપી છે. ડીએફસીને વિશેષ બનાવે છે તેની પાછળનો સામૂહિક પ્રયાસ, જેમાં સરકારી સંસ્થાઓ, ખાનગી ક્ષેત્રના ભાગીદારો અને સમુદાયો સાથે મળીને સમગ્ર શહેરમાં ફિટનેસને સુલભ બનાવવા કામ કરે છે. અમારા ભાગીદારોના સતત સહયોગ અને અમારા સમુદાયના ઉત્સાહ થકી અમે એવા સહિયારા અનુભવો સર્જી રહ્યા છીએ, જે 30 દિવસ પછી પણ તંદુરસ્ત આદતો માટે પ્રેરણા આપે છે. સાથે જ, જ્યારે સમગ્ર શહેર સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા સાથે એક થાય છે ત્યારે શું હાંસલ થઈ શકે છે, તે પણ આ અનુભવો દર્શાવે છે.”

ડીએફસી 2026 દરમિયાન સમગ્ર શહેરમાં યોજાનારાં મુખ્ય આકર્ષણો નીચે મુજબ છે:

ચાર મુખ્ય ઇવેન્ટ્સ

ડીપી વર્લ્ડ પ્રસ્તુત દુબઈ રાઇડ — 1 નવેમ્બર

2025માં રેકોર્ડ 40,000થી વધુ સાઇકલસવારોને આવકાર્યા બાદ, ડીપી વર્લ્ડ પ્રસ્તુત દુબઈ રાઇડ ડીએફસીની 10મી આવૃત્તિના પ્રારંભિક વીકએન્ડ પર હજારો સાઇકલસવારોને દુબઈના રસ્તાઓ પર લાવશે. સવારે 6:15 વાગ્યે શરૂ થનારી આ ઇવેન્ટ સહભાગીઓને બે પૈડાં પર શહેરને માણવાની દુર્લભ તક આપે છે, જે માટે સવારના સમયે શેખ ઝાયેદ રોડ અને ડાઉનટાઉન દુબઈને ટ્રાફિક-મુક્ત સાઇકલિંગ રૂટમાં ફેરવવામાં આવશે.

આરટીએ પ્રસ્તુત દુબઈ સ્ટેન્ડ અપ પેડલ — 7 અને 8 નવેમ્બર

હત્તા ડેમની મનોહર પૃષ્ઠભૂમિમાં યોજાતી આરટીએ પ્રસ્તુત દુબઈ સ્ટેન્ડ-અપ પેડલ 7 અને 8 નવેમ્બર 2026ના રોજ ફરી યોજાઈ રહી છે, જેની પ્રવૃત્તિઓ સવારે 8:00 વાગ્યાથી શરૂ થશે. આ ઇવેન્ટ દરેક ક્ષમતાના રહેવાસીઓ અને મુલાકાતીઓને બે દિવસ સુધી પાણી આધારિત ફિટનેસ અને સાહસનો આનંદ માણવા આમંત્રિત કરે છે.

દુબઈ રન — 22 નવેમ્બર

2025માં 3,07,000 સહભાગીઓની વિક્રમી ભાગીદારી બાદ, દુબઈ રન રવિવાર, 22 નવેમ્બર 2026ના રોજ સવારે 6:30 વાગ્યે ફરી યોજાઈ રહી છે, જેમાં શેખ ઝાયેદ રોડને ટ્રાફિક-મુક્ત રનિંગ રૂટમાં ફેરવવામાં આવશે. દરેક ઉંમર અને ક્ષમતાના દોડવીરોને એકસાથે લાવતી આ ઇવેન્ટ દુબઈનાં પ્રતિષ્ઠિત લેન્ડમાર્ક્સને પગપાળા માણવાની અનોખી તક આપે છે.

MHERO પ્રસ્તુત દુબઈ યોગા — 29 નવેમ્બર

ડીએફસીની 10મી આવૃત્તિનું સમાપન કરતાં, MHERO પ્રસ્તુત દુબઈ યોગા તેની બીજી આવૃત્તિ માટે રવિવાર, 29 નવેમ્બર 2026ના રોજ રોમાંચક નવા સ્થળ અને સૂર્યોદયના અનુભવ સાથે પરત ફરી રહી છે. પ્રથમ વખત આ ઇવેન્ટ દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર (ડીઆઈએફસી)ના પ્રતિષ્ઠિત ‘ધ ગેટ’ નીચે યોજાશે, જ્યાં ભવ્ય શહેરી પૃષ્ઠભૂમિમાં હજારો રહેવાસીઓ અને મુલાકાતીઓ યોગ, આરામ અને સુખાકારી સાથે દિવસનું સ્વાગત કરવા એકત્ર થશે.

ત્રણ નિઃશુલ્ક 30-દિવસીય ફિટનેસ વિલેજ

ડીપી વર્લ્ડ 30×30 ફિટનેસ વિલેજ કાઇટ બીચ (31 ઓક્ટોબર – 29 નવેમ્બર)

ડીપી વર્લ્ડ 30×30 ફિટનેસ વિલેજ કાઇટ બીચ દરિયાકિનારાના ફિટનેસ ડેસ્ટિનેશન તરીકે ફરી આવી રહ્યું છે, જ્યાં દરેક ઉંમર, ક્ષમતા અને રુચિના લોકો માટે વિવિધ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે. બીચ સોકર, બાસ્કેટબોલ, ક્રિકેટ અને વોલીબોલથી લઈને પેડલ, સ્પિનિંગ અને યોગ સુધી, આ વિલેજ કંઈક નવું અજમાવવા, સક્રિય રહેવા અને ફિટનેસની કાયમી આદતો કેળવવાની તકો પૂરી પાડે છે.

દુબઈ મ્યુનિસિપાલિટી 30×30 ફિટનેસ વિલેજ ઝબીલ પાર્ક (31 ઓક્ટોબર – 29 નવેમ્બર)

ઝબીલ પાર્કના ગેટ 2 પર સ્થિત દુબઈ મ્યુનિસિપાલિટી 30x30 ફિટનેસ વિલેજ, ઝબીલ પાર્ક સમગ્ર ડીએફસી દરમિયાન દરેક ઉંમર અને ક્ષમતાના લોકો માટે પ્રવૃત્તિઓ ધરાવતું ફિટનેસ ડેસ્ટિનેશન છે. દરરોજ લાઇવ ક્લાસીસ સાથેનો મુખ્ય મંચ, કિડ્સ ફિટનેસ ઝોન, સ્પિનિંગ ઝોન અને Box’d ઝોન સહિતના વિશેષ એક્ટિવિટી ઝોન, તેમજ ક્રિકેટ, પેડલ અને બાસ્કેટબોલ માટે બુક કરી શકાય તેવા કોર્ટ્સ સાથે, આ વિલેજ સક્રિય થવાના અનેક વિકલ્પો આપે છે. મુલાકાતીઓ અહીં ઉપલબ્ધ ફૂડ એન્ડ બેવરેજ (એફ એન્ડ બી) આઉટલેટ્સ અને હાઇડ્રેશન સ્ટેશન્સનો પણ લાભ લઈ શકે છે.

દુબઈ મ્યુનિસિપાલિટી 30×30 ફિટનેસ વિલેજ અલ વરકા પાર્ક (31 ઓક્ટોબર – 29 નવેમ્બર)

દુબઈ મ્યુનિસિપાલિટી 30x30 ફિટનેસ વિલેજ અલ વરકા પાર્ક પરિવારો અને આઉટડોર ફિટનેસના શોખીનોને સક્રિય રહેવા માટે સમર્પિત જગ્યા પૂરી પાડે છે, જેમાં હરિયાળીથી ઘેરાયેલો 2.8 કિમી લાંબો રનિંગ અને સાઇકલિંગ ટ્રેક છે. દૈનિક ફિટનેસ ક્લાસીસ, બાળકો માટે વિશેષ પ્રવૃત્તિઓ, ફક્ત મહિલાઓ માટેના ફિટનેસ ઝોન, બાઇક ભાડે લેવાની સુવિધા અને રનિંગ ક્લબ સાથે, આ વિલેજ દરેક ઉંમર અને ક્ષમતાના લોકોની જરૂરિયાતો પૂરી કરે છે. મુલાકાતીઓ પેડલ, વોલીબોલ, ફૂટબોલ અને બાસ્કેટબોલ માટે બુક કરી શકાય તેવા કોર્ટ્સની સાથે એફ એન્ડ બી આઉટલેટ્સ અને હાઇડ્રેશન સ્ટેશન્સનો પણ આનંદ માણી શકે છે. આ વિલેજ દરરોજ સાંજે 4:00થી રાત્રે 11:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

હાઇ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ હોય, આરામદાયક યોગ સત્ર હોય, પરિવાર સાથે વૉક હોય કે સાઇકલિંગનું સાહસ, સૌથી મહત્ત્વની બાબત છે નિયમિતતા જાળવવી. તેની દસમી આવૃત્તિ દ્વારા ડીએફસી એવી કાયમી આદતોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે છે, જે ચેલેન્જના 30 દિવસ પછી પણ જળવાઈ રહે.